એક માણસની આ વાત છે, 2009માં પરિવારમાં ખુશાલીનો માહોલ હતો પરંતુ આ માહોલ અચાનક જ દુઃખદ થઈ ગયો જ્યારે અચાનક જ તેના પિતાનું મૃત્યુ થઈ ગયું, પિતાનું મૃત્યુ થયા પછી પોતાના ઘરની બધી જવાબદારી તે દીકરાના શીરે આવી પડી.
પરંતુ સદનસીબે દીકરાની નોકરી સારી હતી અને તે નોકરીમાં તેનો પગાર પણ 60000 રૂપિયા હતો, થોડા સમય પછી તેનું જીવન ફરી પાછું રેગ્યુલર થવા લાગ્યું, તે માણસની ઉંમર હવે લગ્ન જેટલી થઈ ગઈ હોવાથી તેની માતા તેના માટે છોકરી શોધવા લાગી.
પરંતુ કોઈને કોઈ કારણોસર તેનો સંબંધ થઈ શક્યો નહીં, અંતે કંટાળીને તેને એક વખત એવું પણ વિચાર્યું કે હું મેટ્રીમોનીયલ સાઈટ ઉપર પ્રોફાઈલ બનાવી લઉં, અને આ વિચારનો અમલ કરીને ત્યાં પ્રોફાઈલ બનાવ્યું પરંતુ ત્યાં ગયા પછી તેને ખબર પડી કે મહીને 50-60 હજાર રૂપિયા કમાનારા છોકરાની એ વેબસાઈટ ઉપર કોઈ સ્કોપ જ નથી. કારણ કે તેને જેટલા પ્રોફાઈલ સાથે મેચ મળ્યું તેમાં તેની આવક જ વચ્ચે આવી જતી અને તે સંબંધ આગળ ન વધી શક્યા.
અને એથી વધારે ગંભીર એ વાત હતી કે છોકરીઓ લગ્ન કરવા માટે જે છોકરાઓ પરિવારથી દૂર હોય એવા ને વધારે પ્રાથમિકતા આપતા અને જે છોકરાઓ પોતાની માતા સાથે અથવા પરિવાર સાથે રહેતા હોય તેવા લોકો સાથે લગ્ન કરવાનું જાણે ટાળતા.
અને આ બાબત કોઈ નવીન નથી કારણ કે આપણી આજુબાજુમાં પણ આપણે ઘણા કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ જ્યારે છોકરીના પરિવારના લોકો દીકરાના પરિવારમાં કોણ છે, દીકરો એકલો રહે છે કે કેમ તેની બધી તપાસ કરાવતા હોય છે.
આ પ્રોફાઈલ ના ચક્કરમાં અને સાથે સાથે નોકરી અને ઘર સંભાળવામાં સમય વીતતો ગયો અને એક વર્ષ વીતી ગયું, તેને કંપનીમાંથી પ્રમોશન પણ મળ્યું અને તેનો પગાર હવે એક લાખ રૂપિયા જેટલો થઈ ગયો હતો.
જિંદગીમાં પૈસાની ખામી નહોતી, પરંતુ તે જીવનસાથી ની તલાશમાં હતો, એવામાં એક દિવસ તેની મુલાકાત તેની જ ઓફિસમાં કામ કરવાવાળી જુનિયર છોકરી સાથે થઈ, અને ધીમે ધીમે બંને લોકો એકબીજાથી નજીક આવવા લાગ્યા અને બંનેના પરિવાર પણ એકબીજાને ઓળખવા લાગ્યા.
છોકરીના પરિવારવાળા લોકો ને પણ તે માણસ પસંદ હતો, અને તે માણસના પરિવાર આખામાં માત્ર તેની માતા જ હતી જે માતાને પણ દીકરી પસંદ હતી. થોડા સમય પછી બંને પરિવારે ભેગા થઈને સગાઈ અને ત્યાર પછી લગ્નનું નક્કી કર્યું, લગ્ન થયા પછી બંનેની જિંદગી સુખેથી વિતવા લાગી.
લગ્નના ત્રણ વર્ષ પછી તેઓ બંનેને ત્યાં પહેલું સંતાન આવ્યું, તેની દીકરી દેખાવમાં બિલકુલ પિતા ઉપર ગઈ હતી. અને આ દીકરી તેના પિતાને ખૂબ જ પ્રેમ પણ કરતી હતી, અને આમ પણ કહેવામાં આવે છે કે દીકરી માતા કરતાં પણ તેના પિતાથી વધુ નજીક હોય છે.
તેઓની જિંદગી ખૂબ જ સુખેથી વીતી રહી હતી, દીકરી પણ ધીમે ધીમે મોટી થવા લાગી પરંતુ અમુક વર્ષો પછી ફરી પાછા જાણે મુશ્કેલીના વાદળોએ તેની જિંદગીમાં સ્થાન લઈ લીધું, તે માણસે એક દિવસ તેની પત્નીને તેની જ ઓફિસમાં કામ કરી રહેલા કોઈ બીજા કલિગ સાથે જોઈ, તેને ખબર પડી ગઈ કે તેની પત્નીનું તેના સહકર્મી સાથે ચક્કર ચાલી રહ્યું છે.
તે માણસને ખૂબ જ ગુસ્સો પણ આવ્યો, અને અંદરથી ખૂબ જ દુઃખી પણ થઈ ગયો, જેમતેમ કરીને પોતાને સાંત્વના આપીને તે ઘરે ગયો, રાત્રિના સમયે તેને ખૂબ જ નમ્રતાથી તેની પત્ની સાથે વાત કરી અને કહ્યું કે આ વસ્તુ મને થોડી બરાબર નથી લાગતી, આ ખોટું કરી રહી છો, આપણો એક હવે પરિવાર પણ છે અને આપણી એક દીકરી પણ છે. એટલે હવે આ બધું બંધ કરી દેજે.
તેની પત્નીએ આ વાત સાંભળી લીધી પરંતુ તેને કોઈ જ જવાબ ન આપ્યો, અને એટલું ઓછું હતું તો બીજા દિવસે સવારથી તેની પત્ની તે માણસ સાથે આંખથી નજર મિલાવવાનું પણ ટાળતી, બિલકુલ વાતચીત બંધ કરી દીધી.
અને તેની પત્ની ઓફિસથી પાછી આવવામાં પણ હવે ખૂબ જ મોડેથી આવવા લાગી, સમય વીતતો ગયો, તેમ તેમ બંને વચ્ચે અંતર વધવા લાગ્યું. એક દિવસ હિંમત કરીને પતિએ કહ્યું કે મેં તને જે કહ્યું હતું એમાં મેં તને ખોટું શું કહ્યું હતું, હું છું અહીંયા અને તેમ છતાં પણ તું બીજા કોઈ પુરુષની સાથે છો એ વાતનો શું મતલબ થાય, અને આવી જ રીતે કરવું હોય તો આપણા લગ્નનો શું મતલબ અને આપણે પતિ પત્ની છીએ તેનો પણ શું મતલબ?
આ વખતે તેની પત્ની ચૂપચાપ ન રહી પરંતુ માત્ર એટલો જ જવાબ આપ્યો કે મને હવે તારી સાથે પહેલા જેવી ફીલિંગ નથી આવતી, આ વાત સાંભળીને તે માણસના પગની નીચેથી જાણે જમીન ખસી ગઈ, તેના ગળે જાણે ડુમો ભરાઈ ગયો અને તે આગળ કશું બોલી જ ન શક્યો.