સામાન્ય રીતે માણસો એ જાણતા જ નથી કે, ખુશી ક્યાં થી મળે? અને ખુશી શું છે? જરૂરત થી અનેક ગણા રૂપિયા, વૈભવ, આરામ હોવા છતાં પણ માણસ ખુશ નથી. અને જેના પાસે કંઈ નથી તેમ છતાં તે લોકો ખુશ છે.
સાચી વાત તો એ છે કે ખુશી આપણી અંદર દરેક સમયે હોય જ છે, જેને આપણે જોઈ શકતા નથી. પણ અનુભવ કરી શકીએ છીએ. માણસ સમજે છે કે ખુબ રૂપિયા અને મોટર અને મહેલ જેવા મકાન થી ખુશી મળશે. પણ એ લોકો પણ ખુશ નથી, જેની પાસે આ બધું છે, તેઓના ચહેરા માં જરા પણ રોનક નથી. અને જેના પાસે બિલકુલ સગવડતા નથી, એ લોકો અનેક ગણી ખુશી માં જીવન જીવે છે.
જે લોકો ખુશી માં નથી રહેતા એ લોકો નકારાત્મકતા પર વધારે ધ્યાન દેતા હોય છે. અને એવું વિચારતા હોય છે, કે આ વસ્તુ બીજા પાસે છે પણ મને હજુ સુધી મળી નથી. નકારાત્મક વિચાર આપણા જીવનમાં દુઃખ અસંતોષ અને અશાંતિ જ આપે છે. જયારે સકારાત્મક વિચાર આપણને આંતરિક ખુશી, શાંતિ અને સંતોષ આપે છે.
ખુશી બજાર માં મળતી ચીજ વસ્તુ નથી કે જેને આપણે રૂપિયા ખર્ચી ને મેળવી લઈએ. ખુશી તો જિંદગી ની નાની નાની વસ્તુ માં પણ મળી રહે છે. સવાલ એ જ છે કે જો આપણે તેને મેળવી શકીયે તો!
ખરેખર તો આપણે મોટી મોટી ખુશી મેળવવાની લાલચ માં નાની ખુશી નો ડગલે ને પગલે ભોગ દેતા હોય છીએ. અને આ રીતે આપણે વર્તમાન માં ખુશી નથી ભોગવી શકતા કે ના તો ભવિષ્ય માં પણ ખુશ નથી રહી શકતા. અને નકારાત્મકતા વધતી જાય છે. અને આપનો સ્વભાવ પણ ખરાબ થતો જાય છે. અને આપણે જાણતા કે અજાણતા મળતી ખુશી માણી શકતા નથી, અને કાયમ માટે દુઃખી રહેવા નો સ્વભાવ બનાવી લઈએ છીએ.