રાજકોટની એક હોસ્પિટલ, અત્યંત પ્રખ્યાત હોસ્પિટલ માં કોરોના દર્દી નો કેસ આવ્યો. દર્દીની હાલત ખુબ જ ગંભીર હતી. એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને તેની જગ્યાએ આ નવા દર્દીને એડમીટ કરવામાં આવ્યા, હોસ્પિટલના માલિક જ તે હોસ્પિટલના મુખ્ય ડોક્ટર હતા પરંતુ સાથે સાથે બીજા ડોક્ટરોની ટીમ પણ હતી જે લગભગ બધા દર્દીઓને સારવાર અપાવતા.
પરંતુ આ કેસ આવ્યો એટલે નામ વાંચીને તરત જ મુખ્ય ડોક્ટર આઈસીયુમાં આવ્યા જ્યાં દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા, તે કેસની તપાસ પોતે કરીને તરત જ ઓક્સિજન લગાવવામાં આવ્યું બાકીના બધા રિપોર્ટ્સ કઢાવવાનું કહેવામાં આવ્યું. ત્યાર પછી ડોક્ટર સાહેબ તે રૂમમાંથી બહાર આવીને પોતાના સ્ટાફને કડક સુચના આપીને કહ્યું આ દર્દીને કોઈપણ પ્રકારની ખામી કે તકલીફ ન રહે અને તેની પાસેથી એડવાન્સ પૈસા પણ ના લેશો.
દર્દીને હોસ્પિટલમાં લગભગ પંદર-સોળ દિવસ રાખવામાં આવ્યા અને દરરોજ ડોક્ટર પોતે તેની વિઝિટમાં આવતા અને તેની તબિયતની ચકાસણી કરતા. દર્દી એકદમ સાજા થઇ ગયા પછી રિપોર્ટ પણ નેગેટીવ આવી ગયો અને તેને રજા આપવામાં આવી.
હોસ્પિટલમાં રોકાણ સહિત દવા વગેરે વસ્તુઓ નું બિલ લગભગ પાંચ લાખ રૂપિયા જેટલું થયું હતું, આ બિલ હોસ્પિટલ ના મુખ્ય ડોક્ટરના ટેબલ પર આવ્યું.
તેને બિલ જોઈને તરત જ પોતાના એકાઉન્ટ વિભાગમાં ફોન કરીને એકાઉન્ટ સંભાળનારા મેનેજરને બોલાવ્યા અને કહ્યું આ બિલ કોઈ ચૂકવશે નહીં, આ વ્યક્તિ પાસેથી આપણે એક પૈસો પણ નથી લેવાનો. તેમજ ડોક્ટરે ફરી પાછું કહ્યું તમે એક કામ કરો આ દર્દીને લઈને મારા કેબિનમાં આવો.
દર્દીને વ્હીલચેરમાં ડોકટરની કેબિનમાં લાવવામાં આવ્યા. ડોક્ટરે દર્દી ની સામે નજર કરી ને થોડું સ્મિત કરીને પૂછ્યું, ભાઈ તમે મને ઓળખો છો?
દર્દીએ થોડા સેકન્ડ સુધી ડોક્ટર નો ચહેરો જોયા કર્યો પછી કહ્યું સાહેબ લાગે છે કે મેં તમને ક્યાંક જોયા છે. પરંતુ સરખું યાદ નથી આવતું.
ડોક્ટરે કહ્યું, તમને યાદ ના આવતું હોય તો હું યાદ અપાવું કે લગભગ સાત-આઠ વર્ષ પહેલા મોડી રાત્રે લગભગ ત્રણ વાગે તમે જુનાગઢ પાસે જંગલ વિસ્તારમાં એક ગાડી રીપેર કરી હતી, હું મારા પરિવાર સાથે જુનાગઢ પરિક્રમાના દર્શન કરીને પાછો ફરી રહ્યો હતો ત્યારે અચાનક જ ગાડીમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને ગાડી ઝટકો ખાઈને બંધ પડી ગઈ.
ગાડી સાઈડમાં ઉભી રાખી ને મેં ચાલુ કરવાની અનેક કોશિશ કરી પરંતુ ગાડી ચાલુ ના થઈ, આજુબાજુ નો રસ્તો એકદમ સુમસામ હોવાથી મારા પરિવાર સહિત હું પણ થોડો ડરી ગયો હતો. રસ્તામાં એક વાહન પણ નહોતું દેખાઈ રહ્યું. આજુબાજુમાં જાણે જંગલ હોય એવું જ દેખાઈ રહ્યું હતું.
હું અને મારા પરિવાર બધા ઉપર ચિંતા ની રેખા ચોખ્ખી દેખાઈ રહી હતી બધા લોકો એક સાથે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે જલ્દી કોઈ મદદ મળી જાય.
અને થોડા જ સમય પછી જાણે ભગવાને સાક્ષાત ચમત્કાર કર્યો હોય એમ અમને એક બાઈક આવતું દેખાયું, બાઈક ઉપર તમે બાઈક ચલાવી રહ્યા હતા અમે તરત જ હાથ ઊંચો કરીને તમને રોકવાની કોશિશ કરી. તમે તરત જ બાઈક સાઈડ માં ઉભી રાખીને પૂછ્યું બોલોને સાહેબ શું થયું છે?
મેં જ્યારે મારી સમસ્યા કહી ત્યારે તમે ગાડીનું બોનેટ ખોલીને ચેક કર્યું અને થોડી જ ક્ષણોમાં અમારી નજર ની સામે તમે તે ગાડી ઠીક કરી આપી અને ચાલુ કરવાનું કહ્યું ગાડી તરત જ ચાલુ થઈ ગઈ.
અમારા ચહેરા ઉપર ની ખુશી નો ત્યારે કોઈ પાર નહોતો, અમને બધાને એવું લાગ્યું કે જાણે ભગવાને જ તમને અમારી પાસે મોકલ્યા છે. કારણકે એ સમયે મારા સિવાય ઘરમાં એક જ ફોન હતો જે ઘરે હતો અને મારા ફોનમાં નેટવર્ક પણ નહોતું આવી રહ્યું કે જેથી અમે કોઈને ફોન કરી શકીએ.