અશોક 22 વર્ષ નો યુવાન હતો. આવી ઉંમરે પણ ખુબ જ આળસુ હતો. ઘરે ખાઈ પી ને આરામ કરવા સિવાય કઈ કામકાજ સુજતુ નહિ, ઘર ના બધા લોકો તેને કહેતા કે હવે તેને આ ઉંમરે કોઈ કામ કરવું જોઈએ પણ ભાઈ ને તો આરામ કરવો જ પસંદ હતો.
ભરપેટ ખાણીપીણી કરીને ટીવી જોવાનું અને સૂઈ જવાનું બસ આ જ કામ હતું. ઘર ના લોકો કંટાળી ગયા અને અશોકને અપમાન જનક શબ્દો કહેવા લાગ્યા જે થી કંટાળીને તે ઘર છોડીને બહાર કામની શોધમાં નીકળી પડયો. તેને જીવનમાં ક્યારેય કોઈપણ જાતનું કામ ન કરેલું હોવાથી એક બે જગ્યાએ ગયો પરંતુ તેને ક્યાંય પણ કામ ગમ્યું નહીં.
આમ ને આમ ફરતા ફરતા એક આશ્રમ આવ્યો અશોક આશ્રમ માં ગયો અને જોયું કે બધા સાધુ સંતો જમવા બેઠા છે. એવામાં એક સંતે તેને કહ્યું કે ભાઈ ચાલો પ્રસાદ લઇ લો. અશોક ને જમવા બેસાડ્યો તેને તો મજા આવી ગઈ એટલે આશ્રમ માં થોડી વાર રોકાઈ ગયો.
તેને જોયું કે બધા સંતો ને કામ શુ કરવાનું પણ બધા સંતો પોત પોતાનું આસન પાથરી ને માળા લઈને બેસી ગયા. સાંજ સુધી બધું જોયા પછી અશોકે નક્કી કર્યું કે આપણે અહીંયા ફાવે તેવું છે, કઈ કામ કરવાનું નહિ અને નિરાંતે બેસી ને માળા ફેરવવાની.
ભગવાનનું નામ લેવાનું અને સમયસર જમી લેવાનું તેમાં પણ કોઈ નું સાધુ ભોજન હોય તો લાડવા પણ મળે આવું વિચારી ને બીજે દિવસે આશ્રમ માં ગયો અને મોટા મહંત ને મળ્યો અને પૂછ્યું કે મારે સાધુ થવું હોય તો શું કરવાનું ત્યારે મહંતે ઉત્તર આપ્યો કે બધા સાધુ કરે છે તે તારે કરવાનું અને અશોક તો દીક્ષા લઇ ને સાધુ બની ગયો.
અશોક ને તો મજા પડી ગઈ રોજ સમયસર જમવાનું અને માળા ફેરવી ને ભગવાન નું નામ લેવાનું. સાત દિવસ પછી જમવા ના સમયે કોઈ એ અવાજ કર્યો નહિ એટલે અશોક થી રહેવાયું નહિ અને જાતે રસોડા તરફ ગયો તો રસોડા માં તો કઈ બનતું નહોતું એટલે ત્યાંથી મોટામહંત પાસે ગયો અને કહ્યું કે આજે રસોડા માં કેમ રસોઈ બનતી નથી. મને તો બહુ જ ભૂખ લાગી છે, ત્યારે સામે જવાબ મળ્યો કે આજે એકાદશી હોવાથી બધા ને ખાલી દૂધ ને ફળ જ મળશે. આજે કઈ પણ રસોઈ નહિ થાય ત્યારે અશોકે કહ્યું કે મારે તો રસોઈ કરી ને જ જમવા જોશે મારા થી રહેવાતું નથી.
ત્યારે મોટામહંતે કહ્યું કે કોઠારમાંથી તારે જોઈએ એટલો સમાન લઈ લે અને આશ્રમ ની પાછળ ના ભાગ માં આવેલ ખેતર માં જઈ ને તારી રસોઈ બનાવી લે અને પછી ઠાકરને ભોગ લગાવી ને પછી જમજે અશોકે કહ્યું કે સારું પોતાની જાતે કોઠારમાંથી જરૂરી સમાન લઇ ને ચાલતો થયો. ત્યારે મહંતે ફરી પાછું યાદ કરાવ્યું કે ઠાકર ને પહેલા જમાડજે ને પછી જ તું જમજે. અશોકે કહ્યું હા ગુરુજી.
અશોક તો ખેતર માં જઈ ને રસોઈ બનાવીને, વાસણ સાફ કરી, ને ભોગ ધરાવી ને ઠાકર ને પ્રાર્થના કરી કે ઠાકર જમવાનું તૈયાર છે તો જમવા ચાલો થોડીવાર રાહ જોઈ પણ કોઈ આવ્યું નહિ.
અશોક મૂંઝાઈ ગયો કે મને ભૂખ લાગી છે રહેવાતું નથી. અને ગુરુજી એ કીધું છે કે ઠાકર ને જમાડી ને જ જમજે. અશોક તો ભૂખ નો માર્યો રોવા જેવો થઇ ગયો અને ફરી થી ઠાકર ને પ્રાર્થના કરવા લાગ્યો અને કહ્યું કે તમે મારા ઉપર તો કૈક દયા ખાવ મને આટલી ભૂખ લાગી છે. અને તમે જમવા આવતા નથી.
પ્રાર્થના સાંભળી ને કૃષ્ણ ભગવાન ને પણ એમ થયું કે આજે આપણો ભગત તકલીફમાં છે આને આમાંથી છોડાવો પડે એટલે કૃષ્ણ ભગવાન તો ચાલતા થયા. ત્યાં જ રાધાજી એ પૂછ્યું કે પ્રભુ આમ એકાએક કઈ બાજુ ભગવાને રાધાજી ને કહયું કે તમે પણ ચાલો આજે એક ભોળા ભગત ને ત્યાં પ્રસાદ લેવા જવું પડે તેમ છે અને રાધાજી પણ તૈયાર થઇ ગયા.