વૃદ્ધ લોકોએ ભેગા મળીને પોતાનું મિત્ર મંડળ બનાવ્યું હતું. લગભગ 10 થી 12 લોકો જો આશરે બધા સરખી ઉંમરના હશે અને બધા નિવૃત હોવાથી આખા મંડળ નું કામ જ એ હતું કે સવારે બધા મિત્રો ભેગા થઈ ને બગીચામાં ટહેલતા અને વાતો કરતા, સાથે સાથે થોડી હળવી કસરતો વગેરે કરતા.
ત્યાંથી નવરા થઈને બધા લોકો ત્યાં બગીચાની નજીકમાં આવેલા એક મંદિરમાં દર્શન કરવા માટે જતા અને મંદિરે દર્શન કરીને ફરી પાછા પોતાના ઘરે ચાલ્યા જતા. ફરી સાંજનો સમય થાય કે તરત જ મિત્ર મંડળ ના બધા લોકો સાંજે બગીચામાં ફરી ચક્કર લગાવતા અને એકબીજાની ગપસપ કરતા.
તે મિત્ર મંડળ નો જાણે આ નિયમ થઈ ગયો હતો અને બધા લોકોની દિનચર્યા આ જ રીતે હતી. આજે બધા મિત્રો દરરોજની દિનચર્યા મુજબ ભેગા તો થયા હતા પરંતુ બગીચામાં જાણે બધા લોકો ચૂપ થઈને બેસી ગયા હતા. સામાન્ય રીતે એ લોકો એવી હસી મજાક કરતા કે આજુબાજુના લોકો તેને જોઈને વિચારવા લાગતા કે ઘડપણ હોય તો આવું.
પરંતુ આજે બધા લોકો ઉદાસ થઈને બેઠા હતા કારણ એવું હતું કે તે મિત્ર મંડળના એક સભ્યને પોતાના ઘરમાંથી વૃદ્ધાશ્રમ મોકલવા માટે વાતો ચાલી રહી હતી. અને આ વાતથી બધા મિત્રો ઉદાસ થઈને બેઠા હતા.
આ સમયે એક મિત્રે અચાનક બોલવાનું શરૂ કર્યું તેને કહ્યું મારી પત્ની નો સ્વર્ગવાસ થયા પછી આ મિત્ર મંડળ જ મારી દુનિયા બની ચૂક્યું છે, તમે બધા લોકો મને હંમેશા પૂછતા હતા કે હું શું કામ ભગવાન પાસે ત્રીજી રોટલી માંગું છું? આ વાતનો જવાબ હું આજે આપીશ.
એમ કહીને તે પોતાની જગ્યા ઉપર ઊભા થઈ ગયા, બીજા એક મિત્ર એ તેને પૂછ્યું કે શું તમને તમારી વહુ માત્ર ત્રણ રોટલી જ આપે છે? એટલા માટે ભગવાન પાસે ત્રીજી રોટલી માંગો છો? સામે જવાબ મળ્યો અરે યાર એવું કંઈ નથી, મારા દીકરાની વહુ તો ખૂબ જ સારી છે.
પરંતુ હકીકતમાં રોટલી ચાર પ્રકારની હોય છે.
પહેલી રોટલી સૌથી સ્વાદિષ્ટ રોટલી હોય છે. જે રોટલીમાં માતાની મમતા અને પ્રેમ ભરેલો હોય છે. જેનાથી પેટ તો ભરાઈ જાય છે પરંતુ મન ક્યારેય નથી ભરાતું. બધા મિત્રોએ સહમત થઈને કહ્યું કે એકદમ સાચી વાત છે પરંતુ લગ્ન પછી માતાની રોટલી ખૂબ જ ઓછી મળે છે.
તે વૃદ્ધ માણસે પોતાની વાત આગળ વધારતાં કહ્યું હા એ જ તો બાબત છે, બીજી રોટલી પત્નીની હોય છે જેમાં સમર્પણનો ભાવ હોય છે અને પોતાનાપણું હોય છે જેનાથી આપણું પેટ અને મન બંને ભરાઈ જાય છે.