વર્ષો જૂની એક જ્યુસ ની દુકાન ઉપર બનેલી આ ઘટના છે, એક માણસ અંદાજે એની ઉંમર 50-55 હશે તેના મિત્ર મંડળ સાથે અહીં જ્યૂસ પીવા આવે. અને લગભગ 15 વર્ષથી આ એક જ જ્યુસ ની દુકાનના તેઓ ગ્રાહક હતા. અને દર રવિવારે તેઓ તેના મિત્ર મંડળ સાથે અહીં અચૂક મુલાકાત લેતા.
જ્યૂસની દુકાનના માલિક પણ તેને ઓળખવા લાગ્યા હતા, તેઓ બધા રવિવારે આવે અને મિત્ર મંડળ સાથે બેસીને ચર્ચા કરે આજુબાજુમાં શું થઈ રહ્યું છે તેની હસી-મજાક ચાલુ હોય અને એકબીજાની મશ્કરી તો ખરી જ. ભલે બધા લોકોની ઉંમર ૫૦થી ઉપર હશે પરંતુ બધા જૂના મિત્રો એટલે મળે ત્યારે અવાર નવાર હસી મજાક ચાલુ હોય.
આજે પણ એવું જ થયું, બધા લોકો માટે જ્યુસનો ઓર્ડર આપીને ત્યાં અંદર બધા આરામથી બેસીને એકબીજા સાથે વાતો ચર્ચાઓ હસી મજાક કરી રહ્યા હતા એવામાં લગભગ એક વૃદ્ધ માજી ત્યાંથી પસાર થયા અને ત્યાં આવીને હાથ ફેલાવીને ઊભા રહી ગયા.
પેલું મિત્ર મંડળ ત્યાં જ હતું એટલે તેમાંથી એક ભાઈએ તે માજી સામું જોયું, એ માજી ની ઉંમર જોતાં લગભગ 70થી ઉપર લાગે. ધીમે ધીમે ચાલી રહેલા માજી ત્યાં આવ્યા એટલે તે ભાઈ નું ધ્યાન ત્યાં પડ્યું, થોડા કમરેથી વાંકા વળી ચૂકેલા માજીના ચહેરા ઉપર પણ તેની ઉંમર ચોખ્ખી દેખાઈ રહી હતી.
તેને જોઈને તે માણસમાં ખબર નહીં શું થયું પરંતુ પૈસા ની જગ્યાએ તેણે તે વૃદ્ધ માજીને પૂછ્યું માજી તમે જ્યુસ પી શકશો?
અત્યાર સુધી મિત્ર મંડળ ના બધા સભ્યો પોતાની વાતમાં મશગુલ હતા પરંતુ જેવું માજી ને જ્યુસ નો આગ્રહ કર્યો કે બધા લોકો આ વાતચીતમાં રસ દાખવવા લાગ્યા. અને ખાસ કરીને બધા લોકો એટલે જોવા લાગ્યા કે જો માજી ને પૈસા આપ્યા હોત તો કદાચ પાંચ થી દસ રૂ આપ્યા હોત પરંતુ જો તેઓ જ્યૂસ પીવે તો 70 રૂપિયા નો ખર્ચો થાય.
તે વૃદ્ધ માજી ને પહેલા થોડો સંકોચ થયો પછી તેણે જ્યૂસ પીવા માટે હા પાડી અને પછી તેના હાથમાં રહેલા કોઈએ આપેલા એક રૂપિયાનો અથવા બે રૂપિયાના સિક્કા તે માણસ ને આપી દીધા.
અરે, મને સમજાયું નહીં તમે આ મારા હાથમાં કેમ રૂપિયા આપ્યા? વૃદ્ધ માજીએ જવાબ આપતા કહ્યું તમે મારા જ્યુસ ના પૈસા આપો એમાં આ પણ ગણી લેજો.