ગામડામાં એક માણસ રહેતો હતો, તે માણસ તેની પત્ની અને બાળકો સાથે રહેતો હતો ઘરમાં કુલ મળીને ચાર સભ્યો હતા. તે માણસ ફર્નિચરનું કામ કરતો હતો અને તે પોતાના કામમાં ખૂબ જ ઈમાનદાર પણ હતો અને પોતાની જેટલી પણ કમાણી થતી એમાંથી તે પોતે સંતોષ પણ મેળવીને ખુશ રહેતો.
તેનામાં કોઈ પણ પ્રકારની વધારે કમાણી કરી લેવાની લાલચ ન હતી. અને એવી જ રીતે તેની પત્ની પણ પોતાના પતિની કમાણીમાંથી એકદમ કુશળતાથી પોતાનું ઘર ચલાવતી હતી. કુલ મળીને તેઓ પોતાની જિંદગી આરામથી અને સુખેથી જીવી રહ્યા હતા.
તે ગામના રાજાના મહેલમાં ફર્નિચરનું કામ કરવાનું હતું એટલે રાજાએ જાણ્યું કે ગામમાં સૌથી હોશિયાર ફર્નિચર માટે કોણ છે? તેને આ માણસ વિશે જાણવા મળ્યું. એટલે તેને રાજાના મહેલમાં બોલાવવામાં આવ્યો.
તે માણસ તો કામમાં ખૂબ જ હોશિયાર હતો એટલે રાજાએ તેને મહેલના ફર્નિચર ના કામ માટે પ્રસ્તાવ આપ્યો તે પ્રસ્તાવ તે માણસને સ્વીકારી લીધો અને દરરોજ રાજાના મહેલમાં સવારથી કામ કરવા માટે જવા લાગ્યો, તે માણસને દરરોજ નું કામ પૂરું થાય એટલે એક સોનામહોર મળતી હતી.
સોનામહોર ની કિંમત પણ ઘણી હતી એટલે આટલા બધા પૈસા પામીને તે માણસ ની પત્ની પણ ખુબ જ ખુશ થઇ ગઈ અને હવે તેઓ પોતાની જિંદગી પહેલા કરતા પણ વધુ આરામથી જીવવા લાગ્યા. ઘરમાં કોઈપણ વસ્તુ ની ખામી નહોતી અને દર મહિને સારી એવી રકમની બચત પણ થવા લાગી. તે માણસ તેની પત્ની અને બાળકો બધા ખુશ રહેવા લાગ્યા.
એક દિવસ સાંજે તે મહેલમાંથી પોતાના ઘરે કામ પૂરું કરીને જઈ રહ્યો હતો ત્યારે તેને રસ્તામાં એક અવાજ સંભળાયો.
આ અવાજ એક યક્ષ નો હતો. યક્ષે તે માણસ ને કહ્યું મે તારી ઈમાનદારી ના કિસ્સાઓ સાંભળ્યા છે, હું તારી ઈમાનદારીથી ખુબ જ ખુશ થયો છું અને તને સોના મહોરો થી ભરેલા સાત ઘડા આપવા ઈચ્છું છું. શું તું મારા આપેલા ઘડાઓનો સ્વીકાર કરશે?
પહેલા તો તે માણસ થોડો ડરી ગયો પરંતુ બીજા જ પડે તેના મનમાં લાલચ આવી ગઈ અને તેણે યક્ષના આપેલા ઘડા સ્વીકારવાનો નિર્ણય કર્યો.
તે માણસ નો જવાબ સાંભળીને તે અવાજે ફરી પાછું માણસ ને કહ્યું, ઠીક છે સાત ઘડા તારા ઘરે પહોંચી જશે!
તે માણસ રસ્તામાંથી ઘરે જ જઈ રહ્યો હતો. ઘરે પહોંચીને તેને પોતાના રુમ માં નજર કરી તો હકિકતમાં ત્યાં સાત ઘડા રાખવામાં આવ્યા હતા. તે માણસે તરત જ પોતાની પત્નીને બધી વાત જણાવી અને બંનેએ ઘડા ને ખોલીને જોવાનું શરુ કર્યુ. તેઓએ જોયું કે છ ઘડાઓ તો છલોછલ ભરેલા હતા, પરંતુ સાતમો ઘડો અડધો ખાલી હતો.
તે માણસની પત્નીએ તેને કહ્યું કશો વાંધો નહીં, દર મહિને આપણી જે બચત થાય છે તેમાંથી આપણે આ ઘડામાં મુકતા જઈશું અને થોડા જ સમયમાં આ ઘડો પણ ભરાઈ જશે. પછી આ સાત ઘડાના સહારે આપણું ઘડપણ આરામથી નીકળી જશે.