એક માણસ ફળ લેવા માટે બજારમાં ગયો. એક ફળ ની રેકડી પાસે કોઈ નહોતું ઊભું એટલે ત્યાં નજીક ગયો, નજીક જઈને જોયું તો ત્યાં…
રોજની જેમ ગઇકાલે પણ ઓફિસેથી નીકળતી વખતે ઘરે ફોન કરીને પૂછ્યું કશું લાવવાનું તો નથી ને? ઘરેથી ફળનો ઓર્ડર આવી ગયો.
ફળ ખરીદવા માટે રસ્તામાં આવી રહેલી એક બજારમાં ગયો, એ બજારમાં લગભગ ઘણા સમયથી જતો આવું છું. મોટાભાગે લગભગ એક જગ્યાએથી જ ફળ લેવાનું થાય કારણકે એ ફળ વેચનાર નો સ્વભાવ પણ ખૂબ જ સુંદર છે અને તેની પાસે ફળ પણ ખૂબ જ સારા હોય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પરંતુ આજે ખબર નહીં એ જગ્યાએ કોઈ નહોતું, એટલે વિચાર આવ્યો કે બજાર આવડી મોટી છે ગમે ત્યાંથી ફળ લઈ લઈશ. એમ વિચારીને આગળ જતો રહ્યો. આગળ જઈને એક રેકડી જોઈ જેમાં એક નાનકડું એવું બોર્ડ ઉપર રાખવામાં આવ્યું હતું, એ બોર્ડમાં કશું લખ્યું હતું પરંતુ રસ્તામાં જઈ રહ્યો હોવાથી શું લખ્યું છે તે જોવા માટે ત્યાં રેકડી ની નજીક જવું પડે. ત્યાં નજીક જઈને વાંચ્યું તેમાં શું લખ્યું છે, એમાં મોટા અક્ષરે લખ્યું હતું…
“મારા વૃદ્ધ માતા બીમાર છે, ઘરમાં તેની સેવા કરી શકે તેવું કોઈ નથી, મારે થોડા થોડા સમયે તેની સારસંભાળ રાખવા જમાડવા, દવા આપવા અને ટોયલેટ કરાવવા જવું પડે છે, તો જો તમારે ઉતાવળ હોય તો તમારી મરજીથી મનપસંદ ફળ લઈને વજન ચેક કરીને લઈ શકો છો. ફળનો ભાવ પણ સાથે લખેલો છે. જે પૈસા થાય તે ફળ ની પાછળ રાખેલા ડબ્બા ની નીચે રાખવા, ધન્યવાદ. અને જો તમારી પાસે પૈસા ન હોય તો મારા તરફથી ફળ લઈ લેજો!”
મેં આજુબાજુમાં નજર કરી કે કદાચ આ રેકડી ના માલિક દેખાઈ જાય, પરંતુ કોઈ દેખાયું નહીં. એટલે બોર્ડ માં લખેલી સુચના મુજબ મેં થોડી મોસંબી લીધી, દ્રાક્ષ લીધી તેમજ સફરજન લઈને ગણતરી કરી તો 180 રૂપિયા થતા હતા. મેં નીચે ફળ ની પાછળ ડબ્બા ની નીચે રાખ્યા. ત્યાં પહેલેથી થોડી નોટો પડી હતી એટલે અંદાજો આવી ગયો કે માલિક બહાર છે.
ફળ લઈને હું તો ઘરે જતો રહ્યો, જમીને ફરી પાછો ઓફિસે જતો રહ્યો. રાત્રે નીકળવાનો સમય થયો અને હું ફરી પાછો ઘરે જવા માટે નીકળ્યો. અત્યારે ફરી પાછો તે માર્કેટમાંથી નીકળ્યો માત્ર એ જ જોવા માટે કે તે ફળ વાળો આવ્યો છે કે નહીં. ત્યાં તે રેકડી ઊભી હતી, અને ત્યાં એક દુબળો પાતળો એવો માણસ ઊભો હતો, ઘણા દિવસથી દાઢી પણ નહોતી કરી એવું લાગતું હતું. તેને પહેરેલા કપડા પણ ખરાબ થઈ ગયા હતા અને હું ત્યાં જાઉં તે પહેલાં જ તે હજી રેકડી ને ધક્કો મારીને નીકળી રહ્યો હતો તે પહેલા હું ત્યાં પહોંચી ગયો.
મારી સામું જોઈને તરત જ તેને સ્માઈલ કર્યું ત્યાર પછી મને કીધું સાહેબ ફળ તો બધા ખતમ થઈ ગયા છે.
મેં સીધું તેને તેનું નામ પૂછ્યું તેને કહ્યું મારું નામ ગોવિંદ છે. મેં તેને કહ્યું તમે ઘરે જઈ રહ્યા છો તમે કહેવાનું કારણ એટલું જ કે તેની અડધી સફેદ અને અડધી કાળી એવી દાઢી ઉપરથી તેની ઉંમર નો અંદાજો કાઢીએ તો લગભગ ૪૦થી વધારે ઉંમર હશે.
તેને જવાબમાં કહ્યું હા સાહેબ બધા ફળ વેચાઈ ગયા છે એટલે આજે થોડો વહેલો જઈ રહ્યો છું નહીંતર હું કાયમ અહીં દસ વાગ્યા સુધી રહું છું.
મેં કહ્યું તો તમારો ઘરે જવાનો ટાઈમ ન થયો હોય તો આવો થોડી ચર્ચા કરવી છે, એમ કહીને અમે બંને ત્યાં સામે એક ચા ની દુકાન પાસે ગયા. મારા અને તેના માટે ચા મંગાવી, સાથે થોડો નાસ્તો મંગાવ્યો પછી અમે બંને ત્યાં રહેલા સ્ટૂલ ઉપર બેઠા, થોડા સમય પછી ચા આવી.
ચા આવી એટલે મેં તેને આગ્રહ કર્યો અને કહ્યું ભાઈ તમારી સાથે ચા પીતા પીતા ચર્ચા કરવી છે. તમારું બોર્ડ વાંચીને સવારે હું અહીંથી ફળ લઈ ગયો હતો, તમારા માતા ને શું થયું છે?
ચાની પહેલી ચૂસકી લઇ ને તેને જવાબ આપતા કહ્યું સાહેબ વર્ષોથી હું ને માતા સાથે જ રહીએ છીએ અમે બંને અહીં ધંધામાં પણ સાથે જ ઉભા રહેતા. પરંતુ પાંચ વર્ષ પહેલા માતાને બીમારી થઈ પહેલા તો દિવસ સુધી દાખલ રહેવું પડ્યું ત્યાર પછી ડોક્ટરે કહ્યું, આ બીમારીનો હવે આનાથી વધારે કોઈ ઈલાજ નથી, તમે થાય તેટલી સેવા કરો અને માતાને ખાટલા માં જ રહેવું પડશે. માત્ર રોજિંદી ક્રિયાઓ માટે થોડા સમય ઉભા રહી શકશે અને શક્ય તેટલો આરામ કરાવવો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ડોક્ટરે આવું કહ્યું ત્યારથી માતા ખાટલે જ છે આ વાતને પાંચ વર્ષ થઈ ગયા હવે મારી માતા પણ કોઈ કોઈ વખત જાણે આપણને જાણતા જ ન હોય તેવો વ્યવહાર કરે છે. પાંચ વર્ષથી ખાટલા માં રહીને તેનું મગજ પણ હવે પહેલાં જેવું નથી રહ્યું અવાર નવાર ગુસ્સો કરી નાખે છે.
મેં તેની વાત રોકતા તેને પૂછ્યું ભાઈ તમારે કોઈ સંતાન નથી?
તરત જ જવાબમાં તેને કહ્યું મારા લગ્ન નથી થયા સાહેબ, મેં લગ્ન જ નથી કર્યા અને મારા પિતા પણ વર્ષો પહેલા અવસાન પામ્યા હતા. એટલે હવે માતા ની સાર સંભાળ રાખવા માટે ઘરે કોઈ નથી મારે જ બધુ કરી આપવું પડે છે.
શરૂઆતમાં થોડા દિવસો ઘણી તકલીફ પડી હતી અંતે હવે મને ટેવ પડી ગઈ છે, શરૂઆતના દિવસોની વાત છે જ્યારે હું એક દિવસ માતાના પગ દબાવી રહ્યો હતો ત્યારે મેં તને પૂછ્યું માં, ડોક્ટરે કહ્યું છે તમારે હવે આરામ જ કરવો પડશે. અને મારું ખૂબ જ મન છે કે હું તમારી બધી જ સેવા કરું પરંતુ મારે શું કરવું તેની સમજ નથી પડી રહી. મારી પાસે બચત હતી એ બધી વપરાઇ ગઇ છે અને હવે ખિસ્સુ સાવ ખાલી થઇ ચૂક્યો છે. અને તમે મને ઘરમાંથી બહાર પણ નથી નીકળવા દેતા અને કહો છો કે હું જાઉં ત્યારે તમારો જીવ ગભરાય છે તો હવે તમે જ કહો મારે શું કરવું પૈસા તો કમાવા જ પડશે ને?
આ સાંભળીને માતાએ મારો હાથ પકડી અને ધીમે ધીમે ઊભા થવાની કોશિશ કરી થોડા સમય પછી બેઠા થઇ ગયા તકિયા નો ટેકો રાખીને બેસીને તેને મારી સામે જોયું પછી કહ્યું બેટા તું રેકડી ત્યાં જ રાખીને ઘરે આવી જજે, આપણા નસીબમાં જે હશે તે આપણને અહીંયા બેઠા પણ મળી જશે.
મને એ સમયે માતા ની વાત થોડી અજુગતી લાગી એટલે મેં કહ્યું માતા તમે પણ શું વાત કરો છો ત્યાં રેકડી મૂકીને અહીં આવી જાવ તો કોઈ ચોર વગેરે આવીને બધું લઈ જશે આજકાલ જમાનો કેવો ખરાબ થઇ ગયો છે અને જો રેકડી માં કોઈ માલિક ન ઉભો હોય તો પછી ફળ ખરીદવા માટે આવશે કોણ? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
મારા માતાને રામ ભગવાન ઉપર પહેલેથી જ અતૂટ શ્રદ્ધા હતી તેને મને કહ્યું તું ભગવાનનું નામ લઈને રેકડી ના ફળ ત્યાં જ છોડીને અહીં આવી જજે, અને સાંજે જઈને રેકડી ખાલી થઈ જાય એટલે અહીં લેતો આવજે. જો તારા રૂપિયા જાય તો મને કહેજે.
બસ આ વાતને સાડા ચાર વર્ષ થઇ ગયા છે. સવારે આવીને થોડા સમય સુધી અહીં રહીને ફરી પાછો ઘરે જાવ છું ફરી પાછો ત્યાંથી આવું છું અને રાત્રે ફરી પાછો ઘરે જાવ છું, લોકો આવીને પૈસા રાખીને ફળ લઈ જાય છે. ફળ બધા જતા રહ્યા હોય તેમ છતાં પૈસા માં કોઈ દિવસ ઉપર નીચે નથી થયું, હા કદાચ કોક દિવસ વધારે પૈસા કોઈ રાખી ગયું હોય પરંતુ બીજુ કોઈ દિવસ પૈસા ઓછા નથી થયા. ઘણી વખત માતા માટે ઘણા લોકો ઘણી વસ્તુ રાખી જતા હોય છે. એવું પણ બન્યું છે.
હમણાં થોડા દિવસો પહેલાં જ એક થેલી પડી હતી મેં થેલીમાં નજર કરી તો એક ચિઠ્ઠી અને એક ડબ્બો હતો એ ચિઠ્ઠીમાં લખ્યું હતું આ તમારી માતા માટે અંદર ડબ્બામાં જોયું તો તેમાં મીઠાઈ પડી હતી.
થોડા દિવસ પહેલા એક ડોક્ટર નું કાર્ડ પણ પડ્યું હતું અને પાછળ લખ્યું હતું કે માતાની તબિયત જરા પણ ગંભીર જણાય કે તરત મને ફોન કરજો હું આવી જઈશ. પહેલા પહેલા ઘણી તકલીફ પડતી પરંતુ હવે બધુ ચાલે છે અને ખરેખર ભગવાનની કૃપા હોય એવું લાગે છે.
તે રેકડી વાળા ની વાત સાંભળીને મારાથી રહેવાયું નહીં અને મેં પણ એને મારા ખિસ્સામાંથી અમુક રકમ આપી અને કહ્યું ભાઈ ધન્ય છે તમારા જેવા સંતાનોને. ખરેખર જો સાચા હૃદયથી માતા-પિતાની સેવા કરીએ તો સફળતા આપણા કદમ ચૂમે છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ આપજો.