એક ગામમાં એક સ્ત્રી તેના પતિ અને બાળક સાથે રહેતી હતી. પતિનો વિયોગ થતાં પત્ની એકલવાયુ જીવન જીવવા લાગી. નાના બાળકના સ્નેહ ખાતર ઘરકામ કરતી જીવવા લાગી.
બાળક જ્યાં હજી કિશોર વયનો થયો ત્યાં માતા પણ બીમાર પડી.
માતાની માંદગી તથા ભરણપોષણ કરવાની જવાબદારી આ નાના બાળકના શિરે આવી ગઈ. આર્થિક રીતે નબળા હોવાથી બાળક એ અર્થ ઉપાર્જન પણ કરવું પડતું.
બાળક હિંમત હાર્યો નહીં તે સવારે વહેલા ઉઠી માતાની બધી જ સેવા કરી શાળાએ જતો. ત્યાં ભણીને ઘરે આવી ઝટપટ રસોઈ કરી કામે જતો. ત્યાંથી આવી ફરી માતાની સેવા, રસોઈ વગેરે કાર્ય કરતો.
માતા ધીમે-ધીમે સાવ અશક્ત થતી જતી હતી. હવે બાળકને તેની સેવા માટે વધારે સમય ફાળવવો પડતો. આથી બાળક શાળાનું હોમવર્ક નિયમિત કરી શકતો નહીં.
શાળામાં શિક્ષક તેને લેસન ન કરી લાવવા બદલ શિક્ષા કરતા. બાળક આંસુ સારતો પણ એકેય શબ્દ કોઈની સામે બોલતો નહિ આવું લગભગ છએક માસ ચાલ્યું.
એક વખત એવું બન્યું કે તે બાળક શાળામાં લેસન પૂરું કરીને આવ્યો આથી શીક્ષકે આ અંગે પૂછ્યું ત્યારે બાળક એ રડતા રડતા જવાબ આપ્યો,
“સાહેબ આજ સુધી મારી માં માંદી હતી તેથી તેને સારવાર કરવામાં અને કામ કરવામાં મને સમય નહોતો મળતો કે હું લેસન કરી શકું. આજે મારી મા મૃત્યુ પામી છે હવે મારી પાસે લેસન કરવાનો સમય છે.”
બાળકની આ વાત સાંભળી આખો વર્ગ રડી પડ્યો. નાના એવા બાળકને પોતાની માની સેવા ખાતર છ-છ માસ સુધી શાળામાં શિક્ષકે કરેલી સજા સહન કરી. સાથે સાથે આર્થિક સ્થિતિ સારી ન હોવાથી કામ કરી પૈસા પણ મેળવ્યા
જ્યારે આજના કહેવાતા સુપુત્રો! લાખો કરોડો કમાતા હોવા છતાં મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં પણ તેમને લાજ શરમ નડતી નથી.
અરે જે મા-બાપે પોતે આર્થિક રીતે નબળા હોવા છતાં ચાર પાંચ બાળકોને પ્રેમથી પાલવ્યા, ઉછેર્યા, ભણાવ્યા, પરણાવ્યા – આટલો મહાન ઉપકાર છતાં તે સંતાનો માબાપને પોતાની સાથે રાખી શકતા નથી!