શીતલ અને રુદ્ર ના લગ્ન એરેન્જ મેરેજ હતા, સગાઈ પહેલા શીતલ અને રુદ્ર બંને એકબીજાને લગભગ ત્રણ વખત મળ્યા હતા અને બંને એકબીજાને પસંદ કરતા હતા એટલે બંનેના લગ્ન નક્કી કરવામાં આવ્યા. થોડા સમય પછી ધામધૂમથી શીતલ અને રુદ્ર ના લગ્ન થયા. રુદ્ર મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરી રહ્યો હતો અને ખૂબ જ સારો પગાર ધરાવતો હતો.
નોકરીના કારણે તેને અવારનવાર બહારગામ જવાનું થતું. પરંતુ વીકેન્ડમાં તે કાયમ ઘરે રહેતો અને પરિવાર સાથે જ પોતાનો સમય વિતાવવાનું પસંદ કરતો. ધીમે ધીમે સમય વીતતો ગયો લગ્નને લગભગ એક વર્ષ પૂરું થવા આવ્યું. અને એવા સમયમાં રુદ્રને બિઝનેસ ટ્રીપ ના લીધે બહારગામ જવાનું હતું.
જોગાનુજોગ તેની લગ્નની પહેલી એનિવર્સરી આવી રહી હતી અને એ જ દિવસ પહેલા તે ઘરે પાછો ફરવાનો હતો પરંતુ તેને એવો નિર્ણય કર્યો કે રુદ્ર અને શીતલ બંને તેની બિઝનેસ ટ્રીપ પર જાય પછી બિઝનેસ નું કામ પૂરું કરીને રુદ્ર અને શીતલ બંને ત્યાંથી ફરવા જવાના હતા અને એનિવર્સરી ઉજવણી કરીને ફરી પાછા ઘરે પાછા આવશે. રુદ્ર એ તેના પિતાને આ વાત કરી, અને આ રીતે plan નક્કી થયો.
બિઝનેસ ટ્રીપ પર જવાનો સમય આવી ગયો એટલે રુદ્ર અને શીતલ બંને પેકિંગ કરીને ઘરની બહાર નીકળી રહ્યા હતા એવામાં રુદ્રના પિતાએ તેને રોક્યા અને કહ્યું બેટા તારી પાસે 500 રૂપિયા પડ્યા હોય તો મને આપજે ને?
આ વાક્ય તેના પિતાના મોઢેથી સાંભળીને રુદ્ર અચાનક જ તેના ભૂતકાળમાં ખોવાઈ ગયો હકીકતમાં તેને ભૂતકાળમાં બનેલી એક ઘટના તેની આંખો ની સામે આવી ગઈ. જ્યારે તે નાનો હતો ત્યારે એક વખત પિતા પાસે દસ રૂપિયા માંગ્યા હતા એટલે તેના પિતાએ તેને પૂછ્યું હતું કે બેટા તારે ૧૦ રૂપિયાનું શું કરવું છે? ત્યારે રુદ્ર એ કહ્યું હતું પપ્પા બધા શેરીના ફ્રેન્ડ ભેગા થઈને ક્રિકેટ માટે એક નવું બેટ ખરીદવાના છે. જેથી બધા લોકો તેનો વપરાશ કરી શકે. ત્યારે તેના પિતાએ રુદ્ર અને તેના ખિસ્સામાંથી 100 રૂપિયા કાઢીને આપ્યા હતા અને કહ્યું હતું, તું તારું પોતાનું મનપસંદ બેટ લઇ આવ. અને પછી બધા જોડે રમજે.
આ વાત વર્ષો પહેલાની હતી પરંતુ હજુ પણ રુદ્ર ની આંખો સામે આ ઘટના ખૂબ જ તાજી હોય એવું લાગતું. એ સમયે તેના પિતા સામાન્ય નોકરી કરતા જોકે અત્યારે તો તેના પિતા રીટાયર થઇ ચુક્યા હતા અને રુદ્ર જ ઘર ચલાવતો.
તરત જ રુદ્ર એ પોતાના ખિસ્સામાંથી પાકીટ કાઢીને જોયું કે તેમાં કેટલા રૂપિયા પડ્યા છે. એ બિઝનેસ ટ્રીપ પર જઇ રહ્યો હોવાથી તેના પોકેટમાં 10000 રૂપિયા પડ્યા હતા, એટલે તેના પિતાએ તો 500 રૂપિયા માંગ્યા હતા પરંતુ તેને પોતાના પોકેટમાંથી 5000 રૂપિયા કાઢીને તેના પિતાને આપી રહ્યો હતો. એવામાં શીતલે રુદ્રના હાથમાંથી પર્સ પોતાની પાસે લઈ લીધું.