અતુલભાઇ ની દીકરીના લગ્ન હતાં અને બધા લોકો તેની તૈયારીમાં પડ્યા હતા. અતુલભાઇ ના સંતાનમાં માત્ર એક જ દીકરી હોવાથી તેના માટે તેના લગ્ન નું વિશેષ મહત્વ હતું. એટલા માટે જ પોતાની કંપનીમાંથી પોતે એક મહિનાની રજા લઈને ઘરે આવી ગયા હતા.
ઘરે આવીને બધી તૈયારીઓ વિશે તેઓ માહિતી લેતા અને કોઈ કામ બાકી હોય વગેરે વિશે પૂછતાં અને બધી તૈયારી પુરી કરાવતા. એકદિવસ કોઇ ખરીદીમાં બહાર ગયા હતા અને ત્યાંથી ઘરે આવ્યા.
ઘરે જઈને ફ્રેશ થઈ ગયા પછી તરત જ અતુલભાઇ ને તેની પત્નીએ કહ્યું એક ચિઠ્ઠી તમારા નામ ઉપર આવી છે. ત્યાં ડ્રોઈંગ રૂમમાં રાખી છે તમે તેને જોઈ લેજો. અતુલભાઇ ને નવાઈ લાગી કારણકે આ સ્માર્ટફોનના જમાનામાં કોઈની ચિઠ્ઠી આવે એટલે નવાઈ લાગે.
તેમ છતાં ડ્રોઈંગરૂમ માં જઈ ને તે ચિઠ્ઠી એક કવરમાં હતી એક કવર ખોલીને ચિઠ્ઠી બહાર કાઢી, ચિઠ્ઠી ઉપર નામ લખ્યું હતું “મયંક”. એક એવું નામ જેને મળ્યા ને વર્ષો વીતી ગયા હતા, તરત જ ચિઠ્ઠી બહાર કાઢી અને પાછળ કવર માં જોયું તો બીજો એક કાગળ હતો તે બહાર કાઢ્યો. એક આગળ કોઈ સામાન્ય કાગળ નહોતો, એ ચેક હતો એ પણ એક કરોડ રૂપિયાનો.
આટલી મોટી રકમ ચેકમાં અને ચેક પણ પોતાના નામ ઉપર આ બધું જોઇને તરત જ ચિઠ્ઠી ખોલી અને આશ્ચર્યચકિત થઇને તેમાં શું લખ્યું છે તે એક જ શ્વાસે બધું વાંચી ગયા તે ચિઠ્ઠીમાં લખ્યું હતું…
નમસ્કાર સર,
હું તમારા માટે એક નાનકડી એવી તુચ્છ ભેટ મોકલી રહ્યો છું, મને તો લાગતું નથી કે તમારા અહેસાન નું કોઈ દિવસ હું ઋણ ચૂકવી શકું પરંતુ મારી નાની બહેન માટે આ આપી રહ્યો છું. ઘરમાં દરેક લોકોને મારા પ્રણામ કહેજો.
તમારો, મયંક.
આ ચિઠ્ઠી જોઈને તરત જ અતુલભાઇ ને વર્ષો પહેલા એક બનેલી ઘટના નજર સમક્ષ દેખાવા લાગી.
એક દિવસની વાત છે જ્યારે અતુલભાઇ દરરોજની જેમ જમીને ચાલવા માટે નીકળ્યા હતા અને એવામાં અચાનક તેનું ધ્યાન રસ્તા પર રહેલા એક છોકરા ઉપર ગયું, એ છોકરો એક પુસ્તકોની દુકાનની બહાર ઉભો હતો અને જે લોકો તે દુકાનમાં અંદર જઈ રહ્યા હતા તે બધા લોકોને રોકીને તે લોકો સાથે કંઈક વાત કરી રહ્યો હતો. દૂરથી જોતા એવું જ લાગતું હતું કે કશું માંગી રહ્યો હતો ત્યાર પછી સામે કોઈ વ્યક્તિ જવાબ ન આપે તો ફરી પાછો થોડે દૂર જઈને ઊભો રહી જતો.
આ જોઈને અતુલભાઇ તેની સામે જોવા લાગ્યા કે આખરે આ છોકરો શું કરી રહ્યો છે, થોડા સમય પછી ફરી પાછું કોઈ નવું પુસ્તકની દુકાન માં અંદર જઈ રહ્યું હોય તો તરત જ ઊભો થઈને તે માણસ પાસે જઈને તેની સાથે ચર્ચા કરે પરંતુ માણસ અંદર જતો રહે એટલે આ છોકરા ના ચહેરા ઉપર નિરાશા છવાઈ જાય અને ફરી પાછો જગ્યાએ આવીને ઊભો રહી જાય.
આવું ઘણા વખત સુધી અતુલભાઈએ જોયું ફરી પાછું કોઈ નવું માણસ આવે કે તરત જ તેના ચહેરાની નિરાશા ગાયબ થઈ જાય અને એક આશા ભરેલો ચહેરો લઈને તે નવા માણસ પાસે વાત કરે, ઘણા સમયથી જોઈ રહેલા અતુલભાઇ ત્યાં છોકરા ની પાસે ગયા એટલે તરત જ છોકરો તેની પાસે આવ્યો અને અતુલભાઈએ છોકરાના હાથમાં નજર કરી, તે છોકરો પુસ્તકો વેચી રહ્યો હતો.
પુસ્તકો કોઈ એવા નહોતા કે કોઈની પાસે ન મળે સાધારણ વિજ્ઞાનને લગતા પુસ્તકો તે વેચી રહ્યો હતો. તરત જ અતુલભાઇ પાસે આવીને ફરી પાછો આષા ભરેલો ચહેરો લઈને તેને અતુલભાઇ ને કહ્યું સાહેબ તમારે પુસ્તકો ખરીદવા છે એમ કહીને તેને એક પછી એક બધા પુસ્તકો દેખાડવા લાગ્યો.
અતુલભાઇ ત્યાં જ ઉભા રહ્યા અને તેની પુસ્તકો જોવા લાગ્યા પેલા નાનકડા છોકરા માં હવે પહેલાંથી પણ વધારે જાણે આશા આવી ગઈ હતી અને ખૂબ જ એનર્જી સાથે બધી પુસ્તકો દેખાડવા લાગ્યો. એ છોકરા સામે અતુલભાઈએ ધ્યાનથી નજર કરી ચહેરા ઉપર આત્મવિશ્વાસ ખૂબ જ દેખાઈ રહ્યો હતો પરંતુ સાથે સાથે તેનો પહેરવેશ એકદમ સાધારણ. શિયાળાની ઋતુ હોવા છતાં ઠંડીમાં પણ તેને શરીર ઉપર માત્ર એક પાતળું સ્વેટર જ પહેર્યું હતું.
અતુલભાઇ ના પુસ્તકો નું કોઈ કામ નહોતું તેમ છતાં તેને કહ્યું બેટા આ બધી પુસ્તકો કેટલા રૂપિયાની છે?
સાહેબ તમે આ પુસ્તકો ના કેટલા આપી શકશો? તે છોકરાએ પૂછ્યું
અતુલભાઇ એ કહ્યું અરે બેટા તે થોડું વિચાર્યું તો હશે ને કે આ કેટલામાં વેચવાનું છે?
એ છોકરો થોડો નિરાશ થઈ ગયો અને તેને કહ્યું સાહેબ તમારા જેટલા દેવા હોય એટલા આપી દો.
ફરી અતુલભાઈએ તેને કહ્યું અરે પણ તારે કેટલા જોઈએ છે?
હવે બે છોકરા માં ધીરજ ખૂટી તેને લાગ્યું કે અતુલભાઇ તેની સાથે માત્ર ટાઇમપાસ કરી રહ્યા છે એટલે તેને તરત જ કહ્યું 10000 રૂપિયા.
અતુલભાઇ એ તરત જ તેને જવાબ આપ્યો ભાઈ આ બધી પુસ્તકોના તને કોઈ પાંચસો હજાર રૂપિયા આપે તો પણ ઘણા છે. અતુલભાઇ ના આ શબ્દ એ છોકરાને જાણે વધુ નિરાશ કરી ગયા.
છોકરો ખૂબ જ નિરાશ થઈ ગયો. અને ત્યાંથી જઈ રહ્યો હતો, અતુલભાઇ ને તરત જ પસ્તાવો થયો અને તેને રોકી ને પૂછ્યું બેટા અહીં આવ, તેના ખંભા પર હાથ મૂકીને અતુલભાઈએ કહ્યું મને તું પુસ્તકો વેચનાર તો નથી લાગી રહ્યો? મને તો જણાવ કે સાચે વાત શું છે? અને તારે શું કામ જરૂર છે?