તેના માતા અને પિતા બંને માટે નવા કપડાં લઈને કાર્તિક અને શીતલ આવ્યા હતા. પરેશભાઈ માટે કુર્તા પાયજામા અને માતા માટે એક અતિ સુંદર તેની પસંદગી ની સાડી લીધી હતી. બસ કપડા આપીને એ લોકો બહાર નીકળી ગયા એટલે અંદર પરેશભાઈ અને ભાવનાબેન હજુ વિચારી રહ્યા હતા કે શું કરવું એવામાં કાર્તિકે ફરી પાછું કહ્યું મુહૂર્ત નો સમય નજીક છે એટલે જલ્દી તૈયાર થઈ જજો.
માતા-પિતાને અંદરથી જાણે કોઈ ઉત્સાહ નહોતો પરંતુ તેને આવવાનું કહ્યું છે તો જય આવીએ બસ એટલા માટે બંને કપડાં પહેરીને તૈયાર થઈ ગયા. અને નીચે ઉતરીને ગાડીમાં બેસી ગયા.
આખા રસ્તે ગાડીમાં અંદર ભાવનાબેન તો એક શબ્દ પણ નહોતા બોલી શકતા. ઘણા સમય પહેલા મધુર ઘર જોયું હતું ત્યાર પછી સીધા આજે જઈ રહ્યા હતા, અને અલબત્ત ત્યારે જોયા પછી ફરી પાછું જવાની કાર્તિક ને જરૂર પણ નહોતી લાગી એટલે જ કદાચ માતા-પિતાને લઈને ઘર જોવા નહોતો ગયો.
થોડા સમયમાં ઘર આવ્યું એટલે કાર્તિકે ગાડી ઉભી રાખી, નીચે ઉતરીને ઘર જોયું પરેશભાઈ અને ભાવનાબેન અવાક રહી ગયા. કારણકે ખૂબ જ આધુનિક ઘર ની ડિઝાઇન અને સાથે સાથે બહાર જ એક સુંદર બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
કોઇપણ બહારથી આ ઘર જોવે તો આશ્ચર્ય ચકિત રહી જાય એવું ભવ્ય ઘર બનાવ્યું હતું. કાર્તિકે માતા-પિતાના બંને નો હાથ પકડી અને અંદર લઈ આવતા કહ્યું ચાલો હું તમને અંદર લઈ જાવ.
ઘરનું કામ પુરું થવામાં હતું એ સમયે છેલ્લા કેટલાક દિવસથી તો કાર્તિક તેના માતા-પિતા સાથે બસ સવારે વાત કરતો એ જ બાકી કશું વાત નહોતી કરી.
બંનેને ઘરમાં અંદર લઈ ગયા ત્યાં નેમ પ્લેટ વાંચી અને માતા-પિતા બંને સ્તબ્ધ થઈ ગયા કારણકે નેમ પ્લેટ ઉપર લખ્યું હતું, માતા-પિતા બંનેનું નામ…
ભાવનાબેન નું હૃદય જાણે વધારે ઝડપથી ધડકવા લાગ્યું, શીતલ આ બંને લોકોની થોડી આગળ ઊભી હતી અને પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી રહી હતી, માતા પિતા નું રિએક્શન કેવું હશે લગભગ એનો જ વિડીયો ઉતારવાની કોશિશ કરી રહી હતી.
શીતલ ત્યાં ઉભા ઉભા થોડી હસવા લાગી અને કહ્યું આવો મમ્મી પપ્પા તમારા નવા ઘરમાં તમારું સ્વાગત છે.
બન્ને નજીક આવ્યા એટલે શીતલ એ બંનેના હાથમાં નવા ઘરની ચાવી સોંપી દીધી કાર્તિક આવીને તેના માતાપિતાને પગે લાગ્યો અને કહ્યું મમ્મી હવે નવા ઘરમાં ભગવાન માટે તમારા હાથે કંઈક પ્રસાદી બનાવો.
ભાવનાબેન કશું સમજી નહોતા શકતા કે શું થઈ રહ્યું છે, એવામાં તેને પ્રસાદી બનાવવાનું કહ્યું. તેના આંખમાંથી આંસુ સરી પડ્યા, શું બનાવવું તેનો વિચાર કરવા લાગ્યા. અંતે નક્કી કર્યું કે લાડવા બનાવશે જે કાર્તિકને પણ ખૂબ જ ભાવતા.
હજી રસોડામાં જતા હતા ત્યાં જ કાર્તિક હાથ ખેંચીને લઇ ગયો અને કહ્યું જોવા મમ્મી પપ્પા આ તમારો રૂમ છે એમ કહીને તેનો રૂમ તેને બતાવ્યો અને કહ્યું આ રૂમમાં બધું તમારી પસંદગીનું રાખ્યું છે તેમ છતાં જો અમારી પસંદ કરવામાં કંઈ ભૂલ થઈ ગઈ હોય તો કેજો.
અને પપ્પા જેમ તમારું સપનું હતું કે આપણે જાગીને તરત જ સૂરજની પહેલી કિરણ આપણા રૂમમાં આવે અને તેનાં દર્શન થાય તેમજ બારીની બહાર નજર કરીએ તો હરિયાળી વાળો બગીચો જોવા મળે બસ એ જ રીતે આ ગોઠવણી કરી છે.
અને બગીચામાં તુલસીનું વૃક્ષ પણ રાખ્યું છે જે હંમેશા મમ્મી રાખવા માટે ઇચ્છતા હતા. અને એવામાં જ તેના પિતાની નજર બગીચામાં રહેલા ગુલાબના છોડ પર ગઈ. જુના ઘરે એક ગુલાબ નો છોડ હતો જે છોડ જગ્યાના અભાવને કારણે ત્યાંથી હટાવી દીધો હતો એ જોઇને માતા પિતા બંને ખુશ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે કાર્તિક ને તો બધું યાદ છે.
એવામાં કાર્તિક પાછળ ઉભા ઉભા બોલ્યો મમ્મી તમારા હાવભાવ હું જોઈ રહ્યો હતો આટલા સમયથી… એક સમયે મને એવું પણ થયું કે હું બધું તમને સાચું સાચું જણાવી દઉં પરંતુ તમને તો ખબર જ છે કે મને સરપ્રાઈઝ આપવી ખૂબ જ ગમે છે અને એટલા માટે જ મેં તમને આજે સરપ્રાઇઝ આપી.
તમે શું એવું વિચારતા હતા કે હું તમારા બંને વગર એકલો રહી શકીશ. અરે હું તમારા બંને વગર કેવી રીતે ખુશ રહી શકું? અને હા આ સરપ્રાઈઝ તો ખરી જ પરંતુ તમને આજે શીતલ પણ એક નવી સરપ્રાઈઝ આપવાની છે.
માતા-પિતા બંને પાછળ ફરીને શીતલ સામે જોવા લાગ્યા. ત્યારે શીતલ એ ઈશારો કરીને કહ્યું આપણા નવા ઘરમાં હવે નવું મહેમાન આવવાનું છે, ઈશારો કરીને કહ્યું કે તે પ્રેગ્નન્ટ છે. કાર્તિકે કહ્યું આ વાતની શીતલને પાંચ દિવસ પહેલાં જ ખબર પડી પરંતુ એ તમને કહેવા માટે આવી રહી હતી ત્યારે મેં તેને કહ્યું એક મોટી સરપ્રાઇઝ આપી રહ્યા છીએ તો એની સાથે સાથે બીજી તેનાથી પણ વિશાળ સરપ્રાઈઝ આપીશું.
માતા-પિતા બંને એકદમ રાજી થઈ ગયા અને શીતલ અને તેની સાસુ એકબીજાને ભેટી પડ્યા. દીકરો પણ માતાને ભેટી પડ્યો અને કહ્યું તમે આપેલા સંસ્કાર હું ભૂલી નથી ગયો એટલે હવે ક્યારેય એવું ન વિચારતા કે આપણો દીકરો આપણને છોડીને એકલો રહેવા જશે.
પિતા કહેવા લાગ્યા કે પરંતુ બેટા હવે ઓલા ઘરે કોણ રહેશે એ ઘર હવે ખાલી ખાલી થઈ જશે ત્યારે કહ્યું આ ઘરમા ઓફિસથી નજીક છે એટલે આપણે બધા અહીં જ રહીશું, અને જ્યારે પણ રજા હોય ત્યારે અથવા વીકેન્ડમાં આપણે પેલા ઘરે રહેવા જતા રહેશું.
પરેશભાઈ અને ભાવનાબેન એકદમ ખુશ હતા, પાછલા ઘણા સમયથી જે ચિંતાઓ તેને સતાવી રહી હતી. એ ચિંતા હકીકતમાં સાચી પણ નહોતી અને આજે દિકરાની ઘરે પણ સંતાન આવવાનું છે એ જાણીને પરિવાર આંખો અત્યંત ખુશ થઈ ગયો હતો અને ભાવનાબેનને ખરેખર તેના સાસુ ની યાદ આવી ગઈ જેણે કહ્યું હતું કે તને દુનિયાભરની બધી ખુશીઓ મળે. સાચે જ તેના સાસુ નો હાથ તેના માથા પર હોય એવો અહેસાસ થવા લાગ્યો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી અને કોમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.