સોનલના છૂટાછેડા ને આજે એક વર્ષ પૂર્ણ થયું હતું ત્યારે તેની લગ્ન જીવન ની યાદો વાગોળતા તેને તેના પૂર્વ પતિ ની સાથે વાત કરવાની ઈચ્છા થઈ આવી. પણ તેની હિંમત ચાલી નહીં, અને એક પત્ર તેના પૂર્વ પતિ ને લખવાનું નક્કી કર્યું, અને લખવાનું ચાલુ કર્યું અને લખ્યું…
આજે આપણા છૂટાછેડા ને એક વર્ષ પૂરું થયું છે, પરંતુ આપણા લગ્ન જીવન ના સાત વર્ષ માં છેલ્લું એક વર્ષ બાદ કરતા પહેલા ના છ વર્ષ આપણે જિંદગી ને ખુબ જ માણી છે, પરિવાર ના બધા સભ્યો નો સ્વભાવ પ્રેમ અને લાગણી ભર્યું વર્તન અને મારુ સન્માન એવું રહેતું. જાણે સ્વર્ગ માં રહેતા હોય તેવું સુખ ભગવાને આપણને આપ્યું હતું.
જે મને કદી પણ ભુલાશે નહિ અને હવે ની જિંદગી માં મને એવા દિવસો ભોગવવા મળશે પણ નહિ. છેલ્લા એક વર્ષ માં કોણ જાણે શુ થયું કે આપણી જિંદગી માં રોજે રોજ કાંઈ ને કાંઈ વાત ને લઇ ને આપણા સંબંધો વણસી ગયા. અને અંતે ના થવાનું થયું. અને આપણે બંને એક વર્ષ પહેલા છૂટા પડ્યા.
અને આપણી જિંદગી ને હર્યાભર્યા બગીચા માંથી ભેંકાર રણ જેવી બનાવી દીધી હતી. હવે વિચાર આવે છે કે છ વર્ષ સુખ ના યાદ રાખવા કે એક વર્ષ દુઃખ નું ? પહેલા છ વર્ષ નું સુખ માણતા માણતા આપણે ક્યારે એકબીજા ની વાતો માંથી વાંધા કાઢતા થઇ ગયા એ મને હજુ સુધી સમજાતું નથી.
પણ નાની નાની વાતોમાંથી આપણે એકબીજાની લાગણી સમજ્યા નહિ અને એકબીજા થી દૂર થતા ગયા અને અંતે છૂટાછેડા ના રૂપે પરિણામ આવ્યું. ક્યારેક ક્યારેક હું આપણા જીવનની સુખો ની યાદો ના ફોટા લઇ ને બેસું છું.
ત્યારે આપણા મસ્તી કરતા ફોટા હરવા ફરવા ના સ્થળો એ પાડેલા મસ્તીખોર અને રોમેન્ટિક ફોટા, એકબીજા ના પ્રેમ અને લાગણી માં મશગુલ થયેલા ફોટા, આ બધા ફોટા માં નજર કરતા કરતા હું પણ એ સુખ ની પળ માં ખોવાઈ જાવ છું. પણ જયારે ફોટા ને પાછા રાખી દઉં છું.
ત્યારે એમ થાય છે કે કેવા માણસો છીએ આપણે આટલું બધું સુખ ભૂલી અને નાના દુઃખ માં છૂટાછેડા કરી નાખ્યા. અને નાની નાની ખરાબ વાતો ને આપણા હૃદય માં સંગ્રહ કરી રાખીયે છીએ, અને જેને હૃદય માં રાખવાનું છે, એ સુખ ને આપણે ફોટા માં રાખી દઈએ છીએ.