ભારતના સુપ્રસિદ્ધ હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર આજે ખુબ જ ખુશ હતા. અને એનું કારણ પણ કંઇક એવું જ હતું જેનાથી તેઓ આટલા ખુશ હતા. તેઓને આજે સરકાર તરફથી પ્રતિષ્ઠિત ડોકટર માટે પુરસ્કાર મળવાનો હતો જેની જાહેરાત કરવામાં પણ આવી હતી. અને મુંબઈ થી દ્વારા દિલ્હી જવા માટે તેઓ વિમાનમાં નીકળી ગયા હતા. સમયસર વિમાન ઉપડી ગયું હતું.
વિમાનમાં બેઠા બેઠા ડોક્ટર વિચાર કરી રહ્યા હતા કે પોતે જીવનમાં કેટલો ભોગ આપીને રાતદિવસ સંશોધન કર્યા છે. ત્યારે જઈને આ પુરસ્કાર માટે સરકાર દ્વારા તેઓની પસંદગી કરવામાં આવી છે, તેઓને તેના સંઘર્ષના દિવસો યાદ આવી રહ્યા હતા અને આવા અનેક વિચારો તેના મનમાં આવી રહ્યા હતા.
તેઓ વિચારોમાં ખોવાયેલા હતા એવામાં અચાનક વિમાનમાં અંદર એનાઉન્સ કરવામાં આવ્યું, આપાતકાલીન પરિસ્થિતિ હોવાથી વિમાનને તેના નિર્ધારિત સ્થળે લઈ જઈ શકાય તેમ નહોતું એટલા માટે વચ્ચે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.
ઇમરજન્સી લેન્ડિંગ ની જગ્યાએથી સમયસર ડોક્ટર પોતાના દિલ્હી કાર્યક્રમમાં પહોંચવા માટે કોશિશ કરી રહ્યા હતા, તરત જ તેને એક ભાડાની ટેક્સી બાંધી અને પોતાના નિર્ધારિત સ્થળે જવા નીકળી પડ્યા. ભાડાની ટેક્સી બાંધીને તેઓ નીકળી ગયા કારણ કે બીજો કોઇ જ રસ્તો નહોતો.
પરંતુ હજુ એક કલાક જ મોટર ચાલી હશે, ત્યાં અચાનક વાતાવરણ બગડ્યું. અને જોરદાર વરસાદ અને વાવાઝોડું આવ્યું. અને પંદર વીસ ફૂટ થી આગળ નો રસ્તો પણ દેખાતો નહોતો. બહુ આગળ ગયા પછી ખબર પડી કે બીજા રસ્તા પર આવી ગયા છીએ, વરસાદ પણ વધારે જોર થી આવવા માંડ્યો હતો અને હવે તેઓ વિચારવા લાગ્યા કે જો આવી પરિસ્થિતિમાં કોઈનો આશરો મળી જાય તો અહીં રોકાઈ જવું.
ભગવાન ની દયા થી થોડું ચાલ્યા, ત્યાં એક નાનું મકાન હતું. ત્યાં જઈને દરવાજો ખખડાવ્યો ત્યારે એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો, તેના પહેરવેશ ઉપરથી અને ઘરની હાલત જોઈને તરત જ સમજાઈ ગયું કે તે સ્ત્રી કેટલી ગરીબ હશે. તેઓને તે સ્ત્રીએ અંદર આવવા માટે કહ્યું. તેનું એકદમ સાધારણ ઘર હતું.
થોડા સમય પછી સ્ત્રી એ ડૉક્ટર માટે ને ચા બનાવી ને આપ્યો. અને કહ્યું કે મારી પ્રાર્થના નો સમય થઈ ગયો છે. તો હું પ્રાર્થના કરી ને આવું છું, એ સ્ત્રી ભગવાન ની મૂર્તિ સામે બેસી ને દીવો કર્યો. અને પ્રાર્થના કરવા લાગી.
પ્રાર્થના કરતા કરતા થોડી વારે તે ઘોડિયામાં હીંચકા નાખતી રહેતી, ડોક્ટર આ બધું એકદમ ધ્યાન થી જોતા હતા. ડોક્ટરને ભગવાનમાં શ્રદ્ધા નહોતી. અથવા એવું કહીએ કે તેઓ ભગવાનમાં માનતા જ નહીં તો પણ ચાલે. એના કારણે જ આ સ્ત્રીને જોઈને તેના મનમાં અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા હતા.