બંગલાના બગીચામાં કામ કરવા આવેલો બાળક મહેનતાણામાં પૈસા નહિ, પણ એવી વસ્તુ માંગી કે આંટીની આંખો…

હિરલબેનનું હૃદય કંપી ઊઠ્યું. એમની આંખો ભરાઈ આવી. પોતાના નાના દીકરા આરવનો વિચાર આવ્યો. આરવ પણ અભ્યાસ માટે બીજા શહેરમાં રહેતો હતો. કદાચ કોઈ દિવસ આરવને પણ આવી જ ભૂખ લાગે અને કોઈ તેને પ્રેમથી જમાડે, એવો વિચાર આવતા એમની આંખોમાં પાણી આવી ગયું. કમલની મહેનત કરવાની ભાવનાએ એમને લાગ્યું કે આ બાળક ફક્ત ભૂખ્યો જ નથી, એ આત્મસન્માન પણ ધરાવે છે.

હિરલબેને કમલને દરવાજો ખોલીને અંદર બોલાવ્યો અને પ્રેમથી કહ્યું, “અંદર આવી જા, પહેલાં જમી લે. પછી જે કામ કરવું હોય એ કરજે.”

કમલની આંખોમાં ફરીથી આશાની ચમક આવી ગઈ. એ ધીમે ધીમે અંદર આવ્યો. હિરલબેન સીધા રસોડામાં ગયા. એમણે એક મોટી થાળીમાં ગરમાગરમ રોટલી, દાળ, શાક અને સલાડ પીરસીને કમલને આપ્યું. કમલ ભૂખ્યો હતો, પણ એ ઝડપથી જમ્યો નહીં. ધીમે ધીમે કોળિયા ભરતો હતો, જાણે દરેક કોળિયા સાથે એના આત્મસન્માનનો ભાર ઓછો થતો હોય.

હિરલબેન એને દૂરથી જોઈ રહ્યાં હતાં. જમ્યા પછી કમલે પોતાના કપડાં ખંખેર્યા અને તરત જ બગીચાની સફાઈમાં લાગી ગયો. એ ખૂબ મહેનતથી અને એકદમ ચોકસાઈથી કામ કરતો હતો. હિરલબેન એને જોતાં જ રહ્યાં. એમના મનમાં ફક્ત એક જ સવાલ ઘુમરાતો હતો: શું ભૂખની કિંમત ફક્ત રોટલી હોય છે કે પછી એવો પ્રેમ, જે કહ્યા વગર પણ કોઈની જરૂરત સમજી જાય?

થોડી વાર પછી જ્યારે કમલે સફાઈનું કામ પૂરું કર્યું, ત્યારે હિરલબેને એક બીજી થાળીમાં જમવાનું પીરસ્યું અને એને આપ્યું.

કમલે આશ્ચર્યથી એમની સામે જોયું, “આંટી, મેં તો જમી લીધુ…”

હિરલબેન સ્મિત કરતા બોલ્યા, “બેટા, આ તારા ઘર માટે છે. તારી મમ્મી પણ ભૂખી હશે, ખરું ને?”

આ સાંભળીને કમલની આંખોમાં આંસુ આવી ગયા. એણે ધ્રૂજતા હાથે થાળી લીધી અને બે હાથ જોડીને હિરલબેનનો આભાર માન્યો.

હિરલબેને પ્રેમથી એના માથા પર હાથ ફેરવ્યો અને મનમાં વિચાર્યું, “જો દરેક મનુષ્ય થોડોક પ્રેમ અને દયા બતાવે, તો કદાચ આ દુનિયામાં કોઈ પણ ભૂખ્યું નહીં રહે.” આ એક થાળીમાં માત્ર અન્ન નહોતું, પણ એક અજાણ્યા હૃદયનો પ્રેમ હતો. કમલને ફક્ત પેટ ભરાયું નહોતું, પણ એને જીવન જીવવાની એક નવી આશા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *