એક ભાઇ-બહેનની વાત છે, બંને ઉંમરમાં નાના હતા. ભાઈ હતો પાંચ વર્ષનો અને એની બહેન આઠ વર્ષની હતી. એક દિવસની આ વાત છે. બંને ઘરમાં બહાર રમતા હતા, શિયાળાનો સમય હતો એટલે સોનેરી તડકાનો તાપ કેટલો વહાલો લાગે એ બધા લોકો સમજી શકે.
ઘરના ફળિયામાં રમતાં રમતાં બંનેની ઇચ્છા થઈ કે લાવો આટલામાં આંટો મારી આવીએ, તે જે સોસાયટીમાં રહેતા હતા. તે સોસાયટીની બહાર નીકળી એ કે તરત જ મેઇન રોડ ચાલુ થઈ જતો.
બંને ભાઈ-બહેન ફરવા નીકળ્યા, શેરીની બહાર ગયા કે તરત જ બહાર નીકળ્યા. નાનો ભાઈ તો પોતાની મસ્તીમાં આગળ ને આગળ ચાલ્યો જતો હતો. અને પાછળ તેનું ધ્યાન રાખતી બહેન પણ આવતી હતી.
થોડા સમય પછી ભાઈ પાછળ ફરીને જોઈ લેતો કે બહેન આવે છે કે નહીં, એવામાં મેઇન રોડ ઉપર એક રમકડાની દુકાન હતી. ત્યાંથી ભાઈ તો પસાર થઈ ગયો પછી થોડા સમય પછી પાછળ ફરીને જોયું તો બહેન તે રમકડાની દુકાન બાજુ જોઇને ઉભી રહી ગઈ હતી.
એટલે ભાઈ તરત જ પોતાની બહેન પાસે જાય છે અને તેને પૂછે છે તારે કાંઈ લેવું છે? કેમ અહીં ઊભી રહી?
બહેને પણ રમકડાંની દુકાનમાં જે બહાર ઢીંગલી રાખી હતી તેની સામે આંગળી ચીંધીને જણાવ્યું કે તેને આ ઢીંગલી લેવાની ઈચ્છા છે.
ભાઇ નાનો હતો, પરંતુ બહેનની ઈચ્છા હોય અને કોઈ ભાઈ પૂરો ન કરે એવું થોડી હોય? નાનો ભાઇ પણ એક જાણે વડીલ હાથ પકડે એ રીતે બહેન ની આંગળી પકડી લીધી અને તે દુકાન બાજુ બંને ભાઈ-બહેન જતા રહ્યા.
પાંચ વર્ષનો ભાઈ એટલે હાઈટ તો બહુ ઊંચી ના હોય, દુકાનદાર ને કીધું પેલી ઢીંગલી રાખી છે તે આપો. વેપારી પણ સવાર સવારમાં દુકાન ખોલીને હજુ બેઠો હતો.
તે વેપારી દૂરથી જ્યારે ભાઈ બહેન આંગળી પકડીને આવતા હતા ત્યારથી તેને નિહાળી રહ્યો હતો, જાણે તેની સવાર સુધરી ગઈ હોય એ રીતે મનમાં ને મનમાં તે હસી રહ્યો હતો.