રાહુલ અને ભૂમિના લગ્ન થયાં ને ત્રણ વર્ષ થઈ ચૂક્યા હતા. રાહુલ અને ભૂમિ બંને એકબીજાને 4 વર્ષ પહેલાં મળ્યા હતા અને એકબીજા સાથે મિત્રતા થઈ હતી. સમય જતા આ મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ હતી અને બંને પરિવારની સંમતીથી તે બંનેએ ધામધૂમથી લગ્ન કર્યા હતા.
લગ્ન કર્યા પછી 1 વર્ષ સુધી તો તેઓનું લગ્નજીવન એકદમ સુંદર અને સારી રીતે પસાર થઈ રહ્યું હતું. પરંતુ થોડો સમય જતાં તેઓ વચ્ચે નાની બાબતોમાં મતભેદ થવા લાગ્યા અને ઝઘડો થવા લાગ્યો. શરૂઆતમાં તો બધા લોકો ને થયું કે લગ્નજીવનમાં કોઈપણ કપલમાં ઝઘડા થતા રહે છે એટલે સમય જતા આ કપલ પણ ઝઘડો કરવાનું ભૂલી જશે અને ફરી પાછા આનંદથી સાથે રહેવા લાગશે.
પરંતુ 1 વર્ષ અને 6 મહિના પછી તે બંને વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થયો. એ જ ઝઘડા માં પરિવારે વચ્ચે આવીને બંનેને સમજાવ્યા અને થોડા સમય માટે બંને વચ્ચે ફરી પાછા ઝઘડાઓ બંધ થવા લાગ્યા.
જોકે તે બંને વચ્ચે નાની બાબતોમાં અવારનવાર તકરાર થઇ જતી પરંતુ મોટો ઝઘડો ન હોવાથી તેમાં પરિવાર દખલગીરી કરતા નહીં. પરંતુ લગ્નના ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા ત્યારે તેઓ વચ્ચે ભયંકર ઝઘડો થયો અને આ વખતે વાત ખૂબ જ આગળ વધી ગઇ હતી. બંને લોકો એકબીજા સાથે રહેવા પણ નહોતા માંગતા.
પરિવારે ઘણું સમજાવ્યું કે તમે બંને એકબીજાને પ્રેમ કરો છો તો પછી શાંતિથી રહો પરંતુ રાહુલ અને ભૂમિ બન્નેમાંથી કોઇ સાથે રહેવા તૈયાર ન હતું. આખરે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ, બંને લોકો એ નિર્ણય લઈ લીધો કે હવે બસ છૂટાછેડા લઇ લેવા છે, પરિવારે ઘણું સમજાવવાની કોશિશ કરી. ભૂમિને તેના પિતા નો ફોન આવ્યો તેને પણ ઘણું સમજાવ્યું પરંતુ બંને લોકો અલગ થઈ જવા માંગતા હતા.
એક દિવસ ભૂમિના પિતાએ ભૂમિને એક સરનામું મોકલ્યું અને ફોન કરીને કહ્યું કે આ સરનામે જો ભૂમિ એક વખત જઈ આવશે તો તેના જીવનની બધી સમસ્યાઓ પૂરી થઈ જશે. એ જગ્યા પર દરેક વસ્તુનો ઈલાજ થાય છે.
ભૂમિ ને તેના પિતાની વાત થોડી રમુજી લાગી પરંતુ એ માત્ર ત્યાં જોવા માટે ગઈ કે તેની પાસે આ ઝઘડા માટે કંઈ ઈલાજ છે કે કેમ? તે જગ્યા ભૂમિએ પહેલા કોઈ દિવસ જોઈ ન હતી.
ત્યાં જઈને એક સંત સાથે મુલાકાત થઇ. સંતે ભૂમિ ને પૂછ્યું બોલ બેટા તારી શું સમસ્યા છે?
ભૂમિએ તેને કહ્યું કે અમે એકબીજાને પ્રેમ કરતા હતા અને માટે જ અમે ત્રણ વર્ષ પહેલાં લગ્ન પણ કર્યા હતા પરંતુ અમારા બંને વચ્ચે ખૂબ જ ઝઘડો થાય છે અને એટલા માટે જ અમે હવે અલગ થવાનું વિચારી રહ્યા છીએ.
સંત સ્મિત કરવા લાગ્યા પછી થોડા સમય પછી ભૂમિ ને કહ્યું બેટા તારી સમસ્યા ખુબ જ અઘરી છે. પરંતુ મારી પાસે એનો પણ ઇલાજ છે પરંતુ આ ઈલાજ ખુબ જ કઠિન છે, એ તારાથી નહીં થાય. ભૂમિ એ તરત જ કુતૂહલ સાથે સંતને જવાબ આપ્યો કે તમે ઇલાજ તો જણાવો, મારાથી ન થઈ શકે એવું તે વળી શું છે?