કાજલ અને મોક્ષ ના લગ્ન થયાને 15 વર્ષ થઈ ચૂક્યાં હતા. લગ્નજીવનમાં નાના મોટા ઝઘડા તો દરેકને થતા હોય છે પરંતુ આજે કાજલ અને મોક્ષ વચ્ચે વધારે પડતી આર્ગ્યુમેન્ટ થઈ ગઈ. અને કોઈ કારણોસર નારાજ થઈને મોક્ષ તરત જ બોલી ઉઠ્યો અને કાજલ ને કહ્યું તે આજ સુધી શું કર્યું છે? માત્ર ઘરનું કામ કર્યું છે અને બાળકોને મોટા કર્યા છે એમાં પણ બાળકો તો ક્યાં તારું કંઈ માને પણ છે.
આટલા વર્ષોમાં તેઓ હંમેશાં પોતાની મનમાની કરતા આવ્યા છે અને તે જાણે કંઈ શીખડાવ્યું ન હોય એટલે જ આપણા બાળકો બગડી ગયા છે.
મોક્ષ અને કાજલ વચ્ચે અવારનવાર ઝઘડા નાની મોટી વાતો પર થતા રહેતા, પરંતુ મોક્ષના મોઢેથી આવી વાત કાજલ આજે પહેલી વખત સાંભળી રહી હતી. તેને તેના પતિ પાસેથી આવી વાત સાંભળીને આખી રાત ઊંઘ ન આવી, તે વિચારતી રહી કે મને મોક્ષ છે એવું કહ્યું કે તે આજ સુધીમાં શું કર્યું છે, સાચે મે આજ સુધીમાં શું કર્યું છે? આવું જ વિચાર્યા કરે અને ખૂબ જ રડી રહી હતી ફરી પાછો વિચાર કર્યો કે જો મેં આજ સુધી આ ઘર માટે કંઇ કર્યું જ નથી તો અહીં રહેવાનો મારો કોઈ મતલબ નથી.
હું ક્યાં જઈશ કેવી રીતે જીવન વ્યતીત કરીશ એ કશું ખબર નથી પરંતુ બસ હવે વધારે નહીં. આવું વિચારીને તે બાજુમાં રહેલા કોમ્પ્યુટર ના ટેબલ પર નીચે ખાનું ખોલી ને ડાયરી કાઢી અને તેમાંથી એક પેજ અલગ કરીને તેમાં કશું લખવા લાગી.
તેને તેના પતિ માટે એક ચિઠ્ઠી બનાવી હતી તેથી માં તેણે લખ્યું કે…
“મોક્ષ, મને આજે આખી રાત વિચારવાનો મોકો મળ્યો, કદાચ તમે સાચું કહી રહ્યા હતા. આજ સુધી મેં શું કર્યું છે? હું કોણ છું? મારી ઓળખાણ શું છે? મારે જિંદગીમાં શું કરવું છે? મારા સપના શું છે? વર્ષો પહેલા જ્યારે પપ્પાએ કહ્યું તારી ઉંમર થતી જાય છે હવે લગ્ન કરી લે એટલે મેં લગ્ન કરી લીધા. પપ્પા ઉપરથી ખૂબ જ મોટો બોજ ઊતરી ગયો.
સાસરીમાં મારા માટે લગભગ દરેક લોકો નવા હતા, દરેક લોકો અજાણ્યા પણ હતા પરંતુ હું શીખીને આવી હતી કે હવે આ જ મારી દુનિયા છે અને આ લોકો જ મારા પોતાના લોકો છે. હવે આ બધા લોકોને જ હું માતા-પિતા તેમજ ભાઈ બહેન સમજુ. અને મારા પતિ એટલે કે તમે મારા માટે ભગવાન સમાન તમારી કહેલી દરેક વાતનું મારે અનુકરણ કરવાનું. આ સિવાય મને એવી પણ સલાહ મળી હતી કે બધા લોકોને પ્રેમ આપીને તેઓના દિલ જીતવાના, મને ઘરેથી મળેલી આ સલાહ માનીને મેં બધાને અપનાવ્યા.
મેં મારા સપના વિશે ક્યારેય વિચાર ન કર્યો, મને શું નથી ગમતું કે શું ગમે છે એ વિશેનો પણ ક્યારેય વિચાર નથી કર્યો, સવારે તમારી સવારની વહેલી ચા-નાસ્તા થી ચાલુ કરીને બાળકોના લંચ તૈયાર કરવા, મમ્મી પપ્પાને બંને ની દવા, બંને નો ગરમ ગરમ નાસ્તો કોઈ વખત મમ્મીને પગ દુખતા હોય તો હું તેની માલિશ પણ કરી આપો તમારું ટિફિન તૈયાર કરું, સાંજના જમવા ની તૈયારી કરું, ઘણી વખત મમ્મીને લઈને હોસ્પિટલ પણ જવાનું થાય,
બાળકો સાંજ એટલે તેને ભણાવવાના, તેઓ જે કંઈ તોફાન કરે તેમાં તેને રોકવાના પણ ખરા અને અમુક સહન પણ કરવાના, એટલું જ નહીં ઘરમાં ક્યારેય પણ મહેમાન આવે તો તેના માટે ભોજન તૈયાર કરવું, સાથે સાથે ઘરકામ પણ હું જ કરું છું એટલે બસ આટલું જ તો કર્યું છે મેં, એથી વધારે તો શું કર્યું છે? અને હવે મારે કંઈક અલગ કરવું છે. હવે હું જાઉં છું, ક્યાં જાઉં છું એ તો ખબર નથી પરંતુ મારે હવે જવું છે. મોક્ષ, તમે તમારું તેમજ બાળકોનું ધ્યાન રાખજો.”